ભરૂચમાં લાંચિયા અધિકારીઓ પર ACB ત્રાટકી, લાંચના ૪૦ હજાર રિકવર

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર અને મહિલા ઇન્સ્પેક્ટર ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા



દવાના નવા હોલસેલ પરવાના (લાઇસન્સ) આપવા પેટે રૂ. ૫૦ હજારની માગણી કરી હતી: રૂ. ૪૦ હજાર સ્વીકારતા જ વડોદરા-નર્મદા ACBની ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા



ભરૂચના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ) કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટો દરોડો પાડીને વર્ગ-૧ના મદદનીશ કમિશ્નર અને વર્ગ-૨ના મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને રૂ. ૪૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા લાંચિયા અફસરોમાં ભારે ફાટચાસ પડી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે ભરૂચ સ્થિત મદદનીશ કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ખાતે દવાના નવા હોલસેલ પરવાના (લાઇસન્સ) મેળવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. આ લાઈસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ ફરિયાદીને જણાવ્યું હતું કે, "તમારા લાઈસન્સની પ્રક્રિયા થઈ જશે, પરંતુ ૪૦ થી ૫૦ હજાર રૂપિયા સાહેબને આપવા પડશે." આમ કહી તેમણે રૂ. ૫૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી.

જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી. વડોદરા એકમના માર્ગદર્શન હેઠળ નર્મદા એ.સી.બી. પી.આઈ. ડી.ડી. વસાવા અને તેમની ટીમે ભરૂચ કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું.

આજરોજ તા. ૧૮ ઓગસ્ટના રોજ કચેરીમાં મદદનીશ કમિશ્નરની ચેમ્બરમાં જ રકઝક બાદ ફરિયાદી પાસેથી રૂ. ૪૦,૦૦૦ની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે ત્રાટકીને મદદનીશ કમિશ્નર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈને રંગેહાથ પકડી પાડ્યા હતા. એ.સી.બી.એ લાંચની સંપૂર્ણ રૂ. ૪૦,૦૦૦ની રકમ રિકવર કરી બંને અધિકારીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓની વિગત:

૧. પ્રકાશભાઈ નાનકરામ પોસનાની (ઉં.વ. ૫૪) – મદદનીશ કમિશ્નર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ભરૂચ (વર્ગ-૧)

(મૂળ રહે: રેવા પાર્ક સોસાયટી, કલોલ, જી. ગાંધીનગર | હાલ રહે: LSD નિર્વાણા ફ્લેટ, ઝાડેશ્વર, ભરૂચ)

૨. સુરભીબેન મોહનલાલ દેસાઈ (ઉં.વ. ૨૯) – ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, ભરૂચ (વર્ગ-૨)

(મૂળ રહે: પારડી ગામ, જી. વલસાડ | હાલ રહે: ઉન્નતિ નગર, કલેક્ટર કચેરી સામે, ભરૂચ)

#ગુજરાત ની પરછાઇ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ