DRI ના દરોડાથી ખળભળાટ: અંકલેશ્વરમાં રહેણાંક મકાનમાંથી ઝડપાઈ MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી

અંકલેશ્વરના ગડખોલમાં મકાનમાંથી ડ્રગ્સની 'મિનિ ફેક્ટરી' ઝડપાઈ



ભાવના ફાર્મ સોસાયટીમાં DRIના દરોડા: MD ડ્રગ્સ બનાવવાનું શંકાસ્પદ રો-મટીરિયલ જપ્ત


ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવવાની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતી મળતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરીને સ્થળ પરથી મહત્ત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.



દરોડા દરમિયાન DRIની ટીમે સ્થળ પરથી '2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિયોફેનોન' નામનો શંકાસ્પદ કેમિકલ જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર, આ કેમિકલનો ઉપયોગ MD (મેફેડ્રોન) નામના ઘાતક નશીલા પદાર્થના નિર્માણમાં રો-મટીરિયલ (કાચો માલ) તરીકે કરવામાં આવતો હોવાની આશંકા છે. નોંધનીય છે કે, MD ડ્રગ્સને સામાન્ય ભાષામાં 'મ્યાઉં મ્યાઉં' તરીકે પણ ઓળખવામાં આવે છે.



ઘટના અંગે DRI ની ટીમ દ્વારા સ્થળ પરથી તમામ પ્રકારના પુરાવા એકત્ર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા કેમિકલના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને તપાસ બાદ જ આ સમગ્ર નેટવર્ક તથા ડ્રગ્સના ઉત્પાદનની સાચી હકીકત સામે આવશે.

હાલના તબક્કે DRI દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારનું વિગતવાર સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સંપૂર્ણ તપાસ બાદ જ આ મિનિ ફેક્ટરી ક્યારથી અને કેવી રીતે ચાલતી હતી, તેમાં કયા-કયા લોકોની સંડોવણી છે અને કેટલા મોટા પાયે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી તેનો પર્દાફાશ થશે.

#ગુજરાત ની પરછાઈ 



Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ