પાલિકામાં 'લેડીસ ડોન'નો વટ? સફાઈના નામે જનતાને ધમકાવતી કર્મચારી સામે તંત્ર કાર્યવાહી કરશે ખરા?

ભરૂચ પાલિકાની સેનેટરી વિભાગની કર્મચારી 'ભૂમિબેન' સામે જનઆક્રોશ: એક જ દિવસમાં ચોપડે નોંધાઈ ૩-૩ ફરિયાદો, 'લેડીસ ડોન' જેવો વટ બતાવતા રોષ


ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં ફરજ બજાવતી અને સ્થાનિક સ્તરે 'લેડીસ ડોન' તરીકે ઓળખાતી કર્મચારી ભૂમિબેન સામે વોર્ડ નંબર ૮ ના રહીશોનો પિત્તો ગયો છે. આ કર્મચારીની જોહુકમી અને તોછડા વર્તનથી ત્રસ્ત નાગરિકોએ ગઈકાલે સેનેટરી વિભાગની ફરિયાદ બુકમાં એક જ દિવસમાં એક જ વોર્ડમાંથી પૂરી ૩ ફરિયાદો ચોપડે નોંધાવી દેતા પાલિકા આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

❝ચીફ ઓફિસરને કહેવું હોય તેને કહી દો!❞ – જનતાને ખુલ્લી ચેલેન્જ

વોર્ડ નંબર ૮ ના રહીશો જ્યારે પોતાના વિસ્તારમાં સફાઈ બાબતે કામ અર્થે વાત કરવા ગયા, ત્યારે આ કર્મચારીએ પ્રજાના સેવક હોવાનું ભૂલીને સત્તાનો નશો બતાવ્યો હતો. તેમણે અરજદારોને મોઢામોઢ પરખાવી દીધું કે:

"વીકમાં માત્ર બે જ દિવસ સફાઈ આવશે. તમારે ચીફ ઓફિસરને કહેવું હોય તો કહી દો અને તમારે કોઈને પણ કહેવાનું હોય તેને કહી દો, અમારું કંઈ થવાનું નથી!"

ટેક્સ ભરતી જનતા સામે પાલિકાના કર્મચારી દ્વારા આ પ્રકારની ઉદ્ધત ભાષાનો પ્રયોગ થતાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

દંડની જાહેરાતોમાં 'વીડિયો ફેમ' થતી કર્મચારીની અસલી હકીકત

અત્રે ઉલ્લેખનીય છે કે, "કચરો ગમે ત્યાં નાખશો તો ₹૫૦૦ અને ₹૧૦૦૦ નો દંડ થશે" તેવી નગરપાલિકાની સત્તાવાર જાહેરાતોમાં આ જ ભૂમિબેન પોતાનો અવાજ આપીને અને વીડિયોમાં ચમકીને ભારે ફેમસ થઈ રહ્યા છે. પરંતુ, કેમેરા સામે કાયદાનું જ્ઞાન વહેંચતી આ કર્મચારીની કથની અને કરનીમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળ્યો છે. એક તરફ જનતાને દંડની ધમકી આપવી અને બીજી તરફ જનતા પોતાના હકનું કામ માંગે તો દાદાગીરી કરવી, તે ક્યાંનો ન્યાય છે?

જનતાનો સવાલ: શું તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરા?

ભરૂચ નગરપાલિકાના ઇતિહાસમાં કદાચ આ પહેલો કિસ્સો હશે જેમાં કોઈ એક જ કર્મચારી સામે એક જ દિવસમાં ૩-૩ લેખિત ફરિયાદો સત્તાવાર ચોપડે નોંધાઈ હોય. આટલો મોટો જનઆક્રોશ હોવા છતાં પાલિકા તંત્ર હજુ સુધી મૌન કેમ છે? ચીફ ઓફિસરના નામે નાગરિકોને ડરાવનાર આ કર્મચારી સામે ઉચ્ચ અધિકારીઓ કોઈ કડક પગલાં લેશે ખરા? તે હવે જોવાનું રહ્યું.

#ગુજરાત ની પરછાઇ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ