વાગરાના સાયખા GIDCમાંથી ₹૧.૨ કરોડનું ગેરકાયદે માટી ખનન ઝડપાયું: ૩ ટ્રક અને ૨ હિટાચી સીઝ

વાગરા પંથક ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સમાન: સાયખા GIDCમાંથી ₹૧.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત


મધરાતે મામલતદારની ટીમની ઓચિંતી રેડથી નાસભાગ: ૩ ટ્રક અને ૨ હિટાચી મશીન સીઝ કરાયા; સ્થાનિક અગ્રણીની સંડોવણી હોવાની પંથકમાં વહેતી થયેલી ચર્ચા


ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સરકારી સંપત્તિની લૂંટ ચલાવતા તત્વો સામે વહીવટી તંત્રએ સિકંજો કસ્યો છે. વાગરાના ખૂણે-ખૂણે નિયમોના સરેજાહેર ધજાગરા ઉડાવી બેફામ માટી ખનનનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બૂમો ઉઠી છે. ગત ૧૯ જૂનની મધરાતે સાયખા GIDC વિસ્તારમાંથી મોટું માટી ચોરીનું કૌભાંડ ઝડપાતા સમગ્ર પંથકના બિનઅધિકૃત ખનનકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર સાયખા જ નહીં પરંતુ વાગરા પંથકના આજુબાજુના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર માટી ખનનનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. ચાલુ સપ્તાહમાં જ વાગરાના વિવિધ વિસ્તારોમાંથી બિનઅધિકૃત માટી ખનન ઝડપાયું હતું, જેની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ સાયખા ખાતેથી વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સમગ્ર પંથકના ગ્રામ્ય વિસ્તારો જાણે માટીચોરો માટે મોકળું મેદાન બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાગરા મામલતદાર અને તેમની ટીમે સાયખા GIDC વિસ્તારમાં રાત્રિના સમયે ઓચિંતી રેડ પાડી હતી. તંત્રની ગાડીઓ જોઈને ઘટનાસ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી. નિયમો વિરૂદ્ધ અને કોઈપણ પ્રકારની કાયદેસરની યોગ્ય મંજૂરી વિના માટીનું ખોદકામ કરી રાજ્ય સરકારની રોયલ્ટીની આવકને મોટાપાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. તંત્રએ સ્થળ પરથી માટી ભરેલી ૩ ટ્રકો અને ખોદકામ માટે વપરાતા ૨ હિટાચી મશીનો મળી કુલ ₹૧.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ગેરકાયદેસર હેરફેરમાં વપરાતા ભારે વાહનો સામે હવે RTO (પ્રાદેશિક પરિવહન કચેરી) ના નિયમો હેઠળ પણ કડક તપાસ થાય તેવી માંગ ઉઠી છે. પકડાયેલા ડમ્પરો અને ટ્રકોમાં RTO ના ધારાધોરણો મુજબની હાઈ-સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) યોગ્ય રીતે લાગેલી છે કે કેમ, તેમજ રાત્રિના અંધારામાં પકડાઈ ન જવાય તે માટે નંબર પ્લેટ સાથે કોઈ છેડછાડ કે તેને છુપાવવાનો પ્રયાસ કરાયો છે કે નહિ તેની પણ ઝીણવટભરી તપાસ જરૂરી બની છે.

આ ઉપરાંત, આ વાહનો પાસે માટી વહન કરવા માટેની માન્ય પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને મોટર વ્હીકલ એક્ટ મુજબના જરૂરી દસ્તાવેજો છે કે નહિ તે બાબત પણ શંકાના દાયરામાં છે. ક્ષમતા કરતાં વધુ માટી ભરીને (ઓવરલોડિંગ) દોડતા આવા વાહનો સરકારી માર્ગોને તો નુકસાન પહોંચાડે જ છે, સાથે જ રોડ સેફ્ટીના નિયમોના લીરેલીરા ઉડાડે છે. આ મામલે ખાણ-ખનિજ વિભાગની સાથે RTO તંત્ર પણ સંયુક્ત તપાસ આદરે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.

સાયખા GIDC ખાતેથી ઝડપાયેલા આ માટી ખનન પાછળ સાયખા ગામના અગ્રણી અને સરપંચ જયવીરસિંહ રાજ હોવાની લોકચર્ચાઓ અને આક્ષેપો પંથકમાં જોરશોરથી સંભળાઈ રહ્યા છે. જવાબદાર હોદ્દા પર બિરાજમાન વ્યક્તિનું નામ આ વિવાદમાં ઉછળતા સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે અને લોકોમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે તંત્ર દ્વારા હજી તપાસ ચાલી રહી છે.

ચોમાસાની સીઝન નજીક આવતા જ વાગરા પંથકમાં અને તેની આસપાસના ગામોમાં ખનન માફિયાઓ વધુ સક્રિય બન્યા છે. રાત્રિના સમયે GIDC વિસ્તારના માર્ગો પર માટી વહન કરતા ભારે ડમ્પરોની દોડધામ સવિશેષ જોવા મળી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, વહીવટી તંત્ર માત્ર સાયખા પૂરતું સીમિત ન રહેતા આજુબાજુના તમામ સંવેદનશીલ ગામોમાં પણ રાત્રિ પેટ્રોલિંગ અને ઓચિંતું ચેકિંગ કાયમી ધોરણે સઘન બનાવે જેથી કુદરતી સંપત્તિની ચોરી અટકાવી શકાય.

#ગુજરાત ની પરછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ