અકસ્માત થાય ત્યારે દોષ માલિકો પર, પણ રૂમમાં બેસી 'ઓકે' સર્ટિફિકેટ આપનારા બાબુઓ કેમ મુક્ત?

✍️✍️📍 તંત્રી લેખ, લાયસન્સની લહાણી કે મોતના પરવાના? ઔદ્યોગિક સલામતી અને નિયમોની ઐસીતૈસી!


​ઔદ્યોગિક વિકાસ એ કોઈપણ પ્રગતિશીલ રાજ્યની આર્થિક કરોડરજ્જુ છે, પરંતુ જ્યારે આ વિકાસ નિર્દોષ શ્રમિકોના જીવ અને પર્યાવરણના ભોગે થવા લાગે ત્યારે વ્યવસ્થા સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે. તાજેતરમાં જિલ્લાના નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝમાં બનતી આગ, અકસ્માત અને ગેસ ગળતરની ઘટનાઓ કોઈ આકસ્મિક દુર્ઘટના નથી, પરંતુ નિયમો પ્રત્યેની ઘોર બેદરકારી અને વહીવટી શિથિલતાનું વરવું પરિણામ છે. સવાલ એ નથી કે અકસ્માત કેમ થયો? સવાલ એ છે કે જે પ્લાન્ટમાં ખામીઓ હતી, તેને ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી (Production Permission) મળી કઈ રીતે?



​કોઈપણ કંપની નાની હોય કે મોટી, ઇન્ડસ્ટ્રીયલ કાયદા (Industrial Laws) મુજબ તેમાં અગ્નિશામક વ્યવસ્થા (Fire Department & Fire Tankers), ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર (OHC), ગ્રીન બેલ્ટ અને સેફ્ટી ઓડિટના કડક નિયમો નિર્ધારિત થયેલા છે. આ જ રીતે, ફેક્ટરીના બોઈલર કે કેમિકલ પ્રોસેસમાંથી નીકળતા ધુમાડા માટે પર્યાવરણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના નિયમો મુજબ ચીમનીની એક ચોક્કસ ઊંચાઈ (Height) નક્કી હોય છે, જેથી ઝેરી ગેસ હવામાં ઘણો ઊંચે નીકળી જાય અને નીચે વસતા લોકો સુરક્ષિત રહે.


​પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, કાગળ પર આ તમામ નિયમો સુવર્ણ અક્ષરે લખાયેલા હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ જુદી છે. કેટલીય કંપનીઓમાં કાં તો નિયમ મુજબના ફાયર ટેન્કરો ખાલી હોય છે અથવા તો કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે સાવ નાની અને બિનઅસરકારક ચીમનીઓ ઉભી કરી દેવાય છે. પરિણામે, અકસ્માત સમયે આગ કાબૂમાં નથી આવતી અને સામાન્ય દિવસોમાં ઝેરી ધુમાડો હવામાં ઊંચે જવાના બદલે નીચે જ જમા રહે છે, જે શ્રમિકો અને આજુબાજુના વિસ્તારોના લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં છે.


​વિચારણીય મુદ્દો એ છે કે, જ્યારે કોઈ મોટો અકસ્માત થાય કે પ્રદૂષણ ફેલાય ત્યારે તમામ દોષનો ટોપલો કંપની માલિકો પર ઢોળી દેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક જવાબદારી કોની? એ કંપનીની, જેણે કાગળ પર સુવિધાઓ બતાવી? કે પછી એ વ્યવસ્થાની, જેણે પ્લાન્ટની પ્રત્યક્ષ મુલાકાત (Physical Visit) લીધા વગર, એરકન્ડિશન્ડ કેબિનોમાં બેસીને માત્ર ફાઇલો જોઈને પ્રોડક્શનના લાયસન્સ મંજૂર કરી દીધા?

​આવી ગંભીર ખામીઓને રોકવા અને ભવિષ્યની દુર્ઘટનાઓ ટાળવા માટે વર્તમાન ઔદ્યોગિક નીતિમાં તાત્કાલિક ધોરણે નીચે મુજબના કડક નિયમો ઉમેરવા અનિવાર્ય બન્યા છે:

​ગ્રાઉન્ડ વેરિફિકેશન વિના લાયસન્સ પર પૂર્ણ પ્રતિબંધ:

 કંપની નાની હોય કે મોટી, ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં અને ચીમનીની ઊંચાઈ નિયમ મુજબ છે કે નહીં, તેની તજજ્ઞોની ટીમ દ્વારા ઓન-સાઇટ વિઝીટ (On-site Visit) કર્યા બાદ જ પ્રોડક્શનની અંતિમ પરવાનગી મળવી જોઈએ.

​અધિકારીઓની કાયદાકીય જવાબદારી: જો લાયસન્સ આપ્યાના અમુક જ સમયમાં કંપનીમાં પ્રાથમિક નિયમોના અભાવે અકસ્માત થાય કે પ્રદૂષણની ગંભીર ફરિયાદ ઉઠે, તો માત્ર કંપની સામે જ નહીં પરંતુ તપાસ કર્યા વિના 'ઓકે' નું સર્ટિફિકેટ આપનાર સરકારી બાબુ સામે પણ કાયદાકીય પગલાં લેવાવા જોઈએ.

​ડિજિટલ મોનિટરિંગ ફરજિયાત: 

પ્રદૂષણ ફેલાવતી ચીમનીઓ અને ફાયર સેફ્ટી ઓટોમેશન સિસ્ટમ સીધી ઓનલાઈન ટ્રેકિંગ સાથે જોડાયેલી હોવી જોઈએ જેથી કોઈ પૂર્વ-ચેતવણી વિના ગમે ત્યારે ઓડિટ થઈ શકે.

​જો ઔદ્યોગિક એકમોમાં માનવજીવની કિંમત માત્ર વળતરના થોડા રૂપિયા જ ગણાતી રહેશે, તો આ અકસ્માતો ક્યારેય નહીં અટકે. ઉદ્યોગોને પ્રોડક્શનની પરમિશન આપવી એ માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ હજારો પરિવારોના જીવનની સુરક્ષાની ગેરંટી છે. હવે સમય પાકી ગયો છે કે 'ટેબલ વર્ક' છોડીને 'ગ્રાઉન્ડ વર્ક'ના આધારે જ પરવાના આપવામાં આવે, જેથી કાગળ પર ચાલતી સેફ્ટી વાસ્તવિકતામાં સુરક્ષિત બને. મંજૂરી આપનારી સિસ્ટમ જ્યાં સુધી પોતાની નૈતિક જવાબદારી નહીં સમજે, ત્યાં સુધી ઔદ્યોગિક સલામતી માત્ર એક મૃગજળ બનીને રહી જશે.

#ગુજરાત ની પરછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ