સુપ્રીમના આદેશથી હજારો શિક્ષકોની નોકરી સામે પ્રશ્નાર્થચિહ્ન? ભરૂચ શિક્ષક સંઘે કલેક્ટર કચેરી ગજવી પુનઃવિચારણાની કરી માંગ

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું : TET મુદ્દે પુનઃવિચારણા અને શિક્ષકોના હિતોના રક્ષણની ઉગ્ર માંગ


સુપ્રીમ કોર્ટ દ્વારા 29 મે, 2026ના રોજ શિક્ષક પાત્રતા કસોટી (TET) સંદર્ભે આપવામાં આવેલા ચુકાદા બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરના લાખો શિક્ષકોમાં ભારે અસંતોષ અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ ચુકાદા અનુસાર ચાલુ સેવામાં રહેલા શિક્ષકો માટે 31 ઓગસ્ટ, 2028 સુધી TET લાયકાત પ્રાપ્ત કરવી ફરજિયાત ગણાવવામાં આવી છે, જેના કારણે વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હજારો અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.


આ ગંભીર મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષકોની વાજબી માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ દેશના સૌથી મોટા શિક્ષક સંગઠનો પૈકીના ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન (AIPTF) અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (GSPTF) દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.



શિક્ષક સંગઠનોના નેતાઓએ જણાવ્યું હતું કે, શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE) – 2009 અમલમાં આવ્યો તે પહેલાં જે શિક્ષકોની ભરતી તે સમયના નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવી હતી, તેમના પર વર્ષો બાદ નવી લાયકાતની શરતો લાદવી એ કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને કાયદાની ભાવનાના વિરુદ્ધ છે. ભરતી સમયે અસ્તિત્વમાં જ ન રહેલી પરીક્ષા આજે ફરજિયાત બનાવવામાં આવતા હજારો શિક્ષકોની નોકરી, બઢતી, સિનિયોરિટી તેમજ નિવૃત્તિ લાભો જોખમમાં મુકાયા છે.

શિક્ષક સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારની શરતો ભૂતકાલીન અસરથી લાગુ કરવામાં આવશે તો માત્ર શિક્ષણ વિભાગ જ નહીં પરંતુ અન્ય સરકારી વિભાગોમાં પણ કાયદાકીય અને વહીવટી ગૂંચવણો ઊભી થઈ શકે છે. દાયકાઓથી ગુણવત્તાસભર શિક્ષણ આપતા અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો પાયો મજબૂત કરનારા શિક્ષકોને આવી પરિસ્થિતિમાં મૂકવું અત્યંત અન્યાયી છે.



શિક્ષક સંગઠનોએ સરકાર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:

TET મુદ્દે રાષ્ટ્રીય સ્તરે તમામ શિક્ષક સંગઠનો, રાજ્ય સરકારો અને શિક્ષણવિદો સાથે તાત્કાલિક ચર્ચા-વિચારણા બેઠક યોજવામાં આવે.

વર્ષોથી સેવા આપતા અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોની નોકરી સુરક્ષિત રહે તે માટે RTE કાયદા હેઠળ જરૂરી કાયદાકીય અથવા નીતિગત સુધારા કરવામાં આવે.

વય અને સેવા અનુભવને ધ્યાનમાં રાખી વરિષ્ઠ શિક્ષકોને TETમાંથી યોગ્ય મુક્તિ, છૂટછાટ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિનો લાભ આપવામાં આવે.

કોઈપણ શિક્ષકને સેવા સુરક્ષા, બઢતી, સિનિયોરિટી અથવા નિવૃત્તિ લાભોથી વંચિત ન રાખવાની સરકાર દ્વારા સ્પષ્ટ ખાતરી આપવામાં આવે.

પ્રશ્નના સૌહાર્દપૂર્ણ અને કાયમી ઉકેલ માટે શિક્ષક સંગઠનો સાથે મંત્રાલય કક્ષાએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવે.

શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા સુધારવાનો સરકારનો ઉદ્દેશ્ય આવકાર્ય છે, પરંતુ તે પ્રક્રિયામાં વર્ષોથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. શિક્ષકોમાં વ્યાપેલી ચિંતા દૂર કરવા અને શિક્ષણ વ્યવસ્થામાં સ્થિરતા જાળવવા માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક સંવેદનશીલતા દાખવી યોગ્ય નિર્ણય લે તેવી શિક્ષક સમાજે અપેક્ષા વ્યક્ત કરી છે.

"TET નહીં, શિક્ષકોના અનુભવ અને વર્ષોની નિષ્ઠાને માન્યતા આપો" જેવા સૂત્રો સાથે ભરૂચ ખાતે યોજાયેલા મહારેલી મહાસંગ્રામ કાર્યક્રમમાં શિક્ષકોએ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો.

#ગુજરાત ની પરછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ