રોજગાર માટે સંઘર્ષ કરતી મહિલાઓ પર કાર્યવાહીથી ભારે રોષ, ન્યાયની માંગ ઉગ્ર

અંકલેશ્વર ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ગરીબ, વિધવા અને શ્રમિક મહિલાઓ સાથે થતી હેરાનગતિ સામે મહિલાઓનો રોષ – “ટ્રાફિકનું બહાનું નહીં, અમને ન્યાય જોઈએ”


અંકલેશ્વર ત્રણ રસ્તા શાકમાર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ, વિધવા, નિરાધાર અને શ્રમિક મહિલાઓએ આજે સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી.

મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ કરી પોતાના બાળકો અને પરિવારનું ભરણપોષણ કરે છે, છતાં વારંવાર તેમને ટ્રાફિક સમસ્યાના નામે હેરાન કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવે છે.

મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ટ્રાફિકની સમસ્યા બહેનોના કારણે નહીં પરંતુ ખોટી જગ્યાએ ઉભા કરાયેલા સમગ્ર માર્કેટના કારણે છે. જો ખરેખર ટ્રાફિક સમસ્યા હોય તો આખું માર્કેટ ખસેડો, માત્ર ગરીબ બહેનોને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે?"

તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી માત્ર ગરીબ મહિલાઓ સામે જ કરવામાં આવે છે. જેના કારણે મહિલાઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ પ્રસંગે મહિલા એડવોકેટે જણાવ્યું હતું કે, "રોજગાર માંગતી મહિલાઓ ગુનેગાર નથી. પોતાના પરિવારનું પેટ ભરવા માટે શાકભાજી વેચતી બહેનોને હેરાન કરવી એ સામાજિક ન્યાય અને માનવતાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. જો ટ્રાફિક સમસ્યા છે તો તેનો કાયમી ઉકેલ સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવાનો છે, ગરીબ મહિલાઓને હટાવવાનો નહીં."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગરીબ અને નિરાધાર મહિલાઓને બલિનો બકરો બનાવી તંત્ર પોતાની આયોજનની નિષ્ફળતા છુપાવી શકે નહીં. ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી તંત્રની છે, ગરીબ મહિલાઓની નહીં.

મહિલાઓએ રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર અને સ્થાનિક તંત્રને અપીલ કરી છે કે તેઓ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી મહિલાઓને ન્યાય અપાવે, હેરાનગતિ બંધ કરાવે અને શાકમાર્કેટ અંગે કાયમી અને સર્વહિતકારી નિર્ણય લે.

અંતમાં મહિલાઓએ ચેતવણી આપી હતી કે જો તેમની વાજબી માંગણીઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ લોકશાહી અને કાયદાકીય માધ્યમોથી વધુ ઉગ્ર લડત ચલાવવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ