અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે શાકભાજી વેચતી મહિલાઓ પર પાલિકાની કનડગત સામે ઉગ્ર રોષ

અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે શાકભાજી વેચાણ કરતી શ્રમિક મહિલાઓ સાથે પાલિકા તંત્રની હેરાનગતિ સામે ઉગ્ર રોષ, શાકમાર્કેટના સ્થળાંતર અને મહિલાઓના પુનર્વસનની માંગ


અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતી ગરીબ, શ્રમિક, વિધવા અને નિરાધાર મહિલાઓ સાથે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને અમાનવીય વર્તન સામે અંકલેશ્વરના એડવોકેટો, મહિલા અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર ત્રણ રસ્તા વિસ્તાર ખાતે આવેલ હાલનું શાકભાજી માર્કેટ શહેરની વધતી વસ્તી, વિસ્તાર અને વાહનવ્યવહારની દ્રષ્ટિએ અત્યંત નાનું, અપૂરતું અને બિનઆયોજિત છે. માર્કેટ મુખ્ય માર્ગને અડીને આવેલ હોવાથી અહીં દિવસભર ભારે વાહનવ્યવહાર રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ ગરીબ મહિલાઓ નથી, છતાં વર્ષોથી ત્યાં મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને જ વારંવાર નિશાન બનાવવામાં આવે છે.


રજૂઆતમાં જણાવાયું હતું કે આ મહિલાઓ પૈકી ઘણી વિધવા, નિરાધાર તથા પરિવારની એકમાત્ર કમાઉ સભ્ય છે. તેઓ સવારથી સાંજ સુધી તડકો, વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મહેનત કરીને પોતાના બાળકો અને પરિવારનું ભરણપોષણ કરે છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા તેમને વારંવાર સ્થળ પરથી હટાવવા, ધંધો બંધ કરાવવા તથા માનસિક દબાણ ઉભું કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.



અગ્રણીશ્રીઓએ જણાવ્યું હતું કે જો હાલની શાકભાજી માર્કેટની જગ્યા શહેરની જરૂરિયાત મુજબ અપૂરતી હોય તો તંત્રએ તેનું યોગ્ય, વિશાળ અને સુવ્યવસ્થિત સ્થળે સ્થળાંતર કરવું જોઈએ. પરંતુ માર્કેટનું સ્થળાંતર કરવામાં આવે તો વર્ષોથી ત્યાં શાકભાજી વેચાણ કરતી ગરીબ શ્રમિક મહિલાઓના હિતોનું રક્ષણ કરવું તંત્રની પ્રથમ ફરજ બને છે. નવી જગ્યા પર આ મહિલાઓને પ્રાથમિકતાના ધોરણે બેસવાની વ્યવસ્થા તથા કાયદેસર રોજગારની તક આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.

વધુમાં જણાવાયું હતું કે સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને ગરીબ કલ્યાણની વાત કરે છે, ત્યારે બીજી તરફ મહેનત કરીને જીવન ગુજારતી મહિલાઓને હેરાન કરવામાં આવે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ગરીબ મહિલાઓને રસ્તા પરથી હટાવવી સરળ છે, પરંતુ તેમના પરિવારના ભરણપોષણની જવાબદારી કોણ લેશે તે પ્રશ્નનો જવાબ પણ તંત્રએ આપવો પડશે.

આથી જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા અને સંબંધિત વિભાગોને માંગણી કરવામાં આવી હતી કે અંકલેશ્વર શાકભાજી માર્કેટની સમસ્યાનો કાયમી અને માનવતાપૂર્ણ ઉકેલ લાવવામાં આવે, માર્કેટનું યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તથા વર્ષોથી રોજગાર સાથે સંકળાયેલી શ્રમિક મહિલાઓને ન્યાય આપી તેમની રોજીરોટીનું રક્ષણ કરવામાં આવે.

"રોજગાર આપો, રોજીરોટી ન છીનવો."

"શ્રમિક મહિલાઓને હેરાન નહીં, સન્માન અને ન્યાય મળવો જોઈએ."

#ગુજરાત ની પરછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ