ભરૂચના નવા તવરામાં ૧૫ ગામ માછી પટેલ સમાજનો ૨૩મો સમૂહ લગ્નોત્સવ: ૨૩ જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

નવા તવરા ખાતે ૧૫ ગામ માછી પટેલ સમાજનો ૨૩મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો


એક પણ રૂપિયો લીધા વિના ૨૩ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા: પર્યાવરણ જાળવણી માટે નવદંપતીઓને આંબાના વૃક્ષની ભેટ અપાઈ


ભરૂચ તાલુકાના નવા તવરા ગામે '૧૫ ગામ માછી પટેલ વિકાસ મંડળ' અને 'નવા તવરા સમૂહ લગ્ન ઉત્સવ કમિટી'ના સંયુક્ત ઉપક્રમે ૨૩મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં આર્થિક અને સામાજિક પ્રગતિના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ પ્રસંગે ૨૩ નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈ નવું જીવન શરૂ કર્યું હતું.


આ સમૂહ લગ્નોત્સવની વિશેષતા એ રહી હતી કે આયોજકો દ્વારા કોઈપણ નવદંપતી પાસેથી એક પણ રૂપિયો લીધા વિના સંપૂર્ણ ખર્ચ કમિટી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચને રોકવા માટે તમામ જોડાઓને ઘરે ડીજે કે બેન્ડ વગાડવા પર પ્રતિબંધ મૂકી, સાદગીપૂર્ણ રીતે સમૂહ લગ્ન સ્થળે જ વિધિ સંપન્ન કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

ઉત્સવના ભાગરૂપે ગામની બહેનો અને યુવાનો દ્વારા ગામની દરેક ગલીઓ, મુખ્ય માર્ગો અને લગ્ન સ્થળ પર આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી, જે મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે દરેક નવદંપતીને એક-એક આંબાનું વૃક્ષ ભેટમાં આપી પ્રકૃતિ સાથે જોડાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.


આ સોમદાસ બાપુ (ગાદીપતિ, સનાતન ધર્મ, ભરૂચ) અરુણસિંહ રણા (ધારાસભ્ય, વાગરા)જયરાજસિંહ પરમાર(સદસ્ય, શુકલતીર્થ જિલ્લા પંચાયત) રાકેશભાઈ ગોહિલ (સદસ્ય, તાલુકા પંચાયત) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીખુભાઈ છોટુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો અને મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે નવા તવરા ગામે છેલ્લા ૨૩ વર્ષથી અવિરતપણે આ પરંપરા જાળવી રાખી છે.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ