ભર ઉનાળે અંકલેશ્વરની વરસાદી ગટરોમાં વહ્યું કેમિકલયુક્ત રંગીન પાણી: તંત્રની ઘોર નિષ્કાળજી સામે સવાલો

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તંત્રની ઘોર બેદરકારી, ભર ઉનાળે વરસાદી ગટરોમાં વહ્યું રંગીન કેમિકલયુક્ત પાણી


રિપોર્ટ,ભરત મિસ્ત્રી 

એક તરફ જ્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં આગામી 5મી જૂનના રોજ 'વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવવાની મોટા ઉપાડે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પર્યાવરણના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે. અંકલેશ્વરની વરસાદી ગટરોમાં ભર ઉનાળે બેરોકટોક પણે ઝેરી અને રંગીન પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેને રોકવામાં સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે.



પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હેમા ફાર્મા (L&T ચોકડી) પાસેથી પસાર થતી વરસાદી ગટરોમાં વિવિધ કલરનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાનું નજરે પડ્યું હતું. આ રંગીન પાણી આગળ વધીને 'C પમ્પિંગ' સ્ટેશન સુધી પહોંચ્યું હતું અને ત્યાંથી આગળ અમરાવતી ખાડી તરફ જતાં જતાં તે તદ્દન કાળા ડિબાંગ ઝેરી પાણીમાં ફેરવાઈ ગયું હતું. ભૂતકાળમાં પણ આ જ રીતે વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી વહાવી દેવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે, છતાં કોઈ કડક પગલાં લેવાયા નથી.

 આ ગંભીર બેદરકારી સામે આવતા જ 'પ્રકૃતિ સુરક્ષા મંડળ' દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ગાંધીનગર અને અંકલેશ્વરની પ્રાદેશિક કચેરીને પુરાવા સાથે તાકીદે ફરિયાદ કરવામાં આવી છે.

આ મામલે પ્રકૃતિ સુરક્ષા મંડળના અગ્રણી  સલીમ પટેલ તંત્રની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે:



નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોર્ટના કડક હુકમ બાદ અંકલેશ્વરમાં પ્રદૂષિત પાણીને રોકવા બાબતે સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી છે. નિયમિત મીટિંગો થાય છે, અધિકારીઓ પણ બદલાય છે, છતાં આવી ગંભીર ઘટનાઓનું પુનરાવર્તન કેમ અટકતું નથી?

શું આ તંત્રની ઘોર નિષ્કાળજી છે કે પછી પ્રદૂષણ ફેલાવતા તત્વો અને તંત્ર વચ્ચે કોઈ આંતરિક સાંઠગાંઠ છે? પ્રદૂષણ માફિયાઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે અને તંત્ર માત્ર 'સબ સલામત' હોવાના ખોટા બણગાં ફૂંકી રહ્યું છે.

 જો ભર ઉનાળાની સિઝનમાં પણ તંત્ર આ પ્રદૂષિત પાણીને રોકી શકતું ન હોય, તો આગામી ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદી પાણીનો પ્રવાહ શરૂ થશે, ત્યારે આ ઉદ્યોગો કેવું ભયાનક પ્રદૂષણ ફેલાવશે તેની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે.


 વરસાદી ગટરોનું આ ઝેરી પાણી અમરાવતી ખાડી અને છાપરા ખાડી મારફતે છેક પવિત્ર નર્મદા નદી સુધી પહોંચે છે.  લાંબા સમય સુધી કેમિકલ વહેવાના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ભૂગર્ભ જળ (Underground Water) પણ દૂષિત થઈ ચૂક્યા છે. 

 ઝેરી કેમિકલના કારણે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર રોગોનું જોખમ તોળાઈ રહ્યું છે અને નદીના જળચર જીવોનું જીવન પણ નાશ પામી રહ્યું છે. 

પર્યાવરણવાદીઓએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે, માત્ર ફરિયાદો થાય અને ત્યારબાદ તંત્ર તપાસના નામે ખાલી નાટક કરે તેનાથી હવે કોઈ ફાયદો થવાનો નથી. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કાયમ માટે બંધ થાય અને પ્રદૂષણ થાય જ નહીં તેવી કોઈ કડક અને ઓટોમેટેડ ઓનલાઈન મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય બની ગઈ છે.

#ગુજરાત ની પરછાઇ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ