નવી લાઈન નાખવાના વિવાદે હાંસોટમાં તણાવ; ખેડૂતોએ ન્યાય ન મળ્યાનો આક્ષેપ કર્યો.

 હાંસોટના ખેડૂતોની જમીનમાં પોલીસ પ્રોટેક્શન હેઠળ GIDCની લાઈન નાખવાની કામગીરી શરૂ: સમાધાનના અભાવે ખેડૂતોમાં રોષ


રિપોર્ટર,જીગ્નેશરાજપૂત 

ઝઘડિયા ઔદ્યોગિક વસાહત (GIDC)ના પ્રદૂષિત પાણીને દરિયા સુધી પહોંચાડવા માટે હાંસોટ ગામના ખેડૂતોની જમીનમાં નવી સ્ટીલની લાઈન નાખવાની કામગીરી પોલીસ પ્રોટેક્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી નાયબ કલેકટર અને મામલતદારની હાજરીમાં અનેક મીટીંગો યોજવા છતાં ખેડૂતો અને GIDC વચ્ચે કોઈ સમાધાન ન થતાં કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે વિરોધની લાગણી પ્રવર્તી રહી છે.



જૂની લાઈન અને નુકસાન: ૧૦ વર્ષ પહેલાં નાખવામાં આવેલી ફાઈબરની લાઈનો વારંવાર લીકેજ થતાં ખેડૂતોના પાક અને જમીનને નુકસાન થતું હતું.

 સમસ્યાના નિવારણ માટે ઝઘડિયા GIDC દ્વારા ત્રણ સ્થળોએ કુલ ૧૫ કિ.મી.ની નવી સ્ટીલની લાઈન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



વારંવારના લીકેજથી જમીનની ફળદ્રુપતા ખતમ થઈ છે અને ભવિષ્યમાં જમીન બિનખેતી (NA) પણ ન થઈ શકે તેવા ડરથી ખેડૂતો તેમની માલિકીની જમીનમાંથી નવી લાઈન નાખવાનો વિરોધ કરી રહ્યા છે.

અધિકારી ઉમેશ ચૌહાણે જણાવ્યું કે GIDC ૧૦ વર્ષ પહેલાં કરાયેલા વપરાશી હક (ROU) મુજબ કામગીરી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે તેઓ સરકારી નિયમો મુજબ વળતર આપવા તૈયાર છે અને ખેડૂતો સાથે અનેક મીટીંગો કરવામાં આવી છે. સમાધાન ન થતાં અને કામગીરી ઝડપથી પૂરી કરવા માટે પોલીસ પ્રોટેક્શન મેળવવામાં આવ્યું છે.

 ખેડૂત ફકરુદિનશેખે આક્ષેપ કર્યો કે અગાઉ અધિકારી SDMના હુકમની વાત કરતા હતા, પરંતુ SDM સાહેબે પોતે આવો કોઈ હુકમ ન કર્યો હોવાનું સ્પષ્ટ કર્યું છે. હવે જૂના ROU મુજબ કામગીરી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.



 તેમણે સ્પષ્ટતા કરી કે તેમની સાથે આવો કોઈ ROU થયો જ નથી. વળી, ROU લીકેજ કે સમારકામ માટે હોય છે, નવી લાઈન નાખવા માટે ખેડૂતની સંમતિ સાથે નવો ROU કરવો જરૂરી છે.

 શેખે જણાવ્યું કે GIDC દ્વારા તેમની મરજી વિરુદ્ધ તેમની માલિકીની જગ્યામાં પ્રવેશ કરી, ખેતર ખોદવામાં આવી રહ્યા છે અને તેમને પોલીસ તરફથી પ્રોટેક્શન મળ્યું છે.



 તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે "જીઆઇડીસીના આ ગેર કૃત્યને સ્થાનિક પ્રશાસનનો સાથ મળી રહ્યો છે."

 "અમોએ SDM સાહેબને રજૂઆત કરી છે પરંતુ અમોને ન્યાય મળ્યો નથી. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ઉદ્યોગોનો વિકાસ ખેડૂતોના વિનાશથી ના થાય," તેમ જણાવી તેમણે બંધારણીય હક્કો મુજબ લડત ચાલુ રાખવાની વાત કરી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ