ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયુ
- સાંસદ મનસુખ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની પત્રકાર મિત્રો સાથે ઉજવણી કરી
- રાષ્ટ્ર, સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા : મનસુખ વસાવા
- ગુજરાતના બજેટમાં અન્ય જિલ્લા કરતા ભરૂચ જિલ્લાને વધુ ફાળવણી સાથે અગ્રીમતા અપાઈ : રમેશ મિસ્ત્રી
- વિકાસમાન ભરૂચ જિલ્લાને સૌના સાથ અને સહકારથી આપણે વિકસિત બનાવીશું : પ્રકાશ મોદી
ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. અને સૌકોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું. બજેટમાં ભરૂચ જિલ્લાને મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરાઈ છે. દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે રૂપિયા 46 કરોડની વધુ ફાળવણી કરાઈ છે. જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક, ભાડભૂત બેરેજ સહિતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડોની રકમ ફળવાઈ છે.
સાથે જ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ સાથે 800 બેઠકનું સંકુલ બનાવાશે તેમ ધારાસભ્યે અંતમાં ઉમેર્યું હતું.
વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યો છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી - ધૂળેટો પર્વની શુભકામના પાઠવી હતી. પ્રજા અને પત્રકારોના સૂચનો આવકારી જિલ્લાના વિકાસમાં સહભાગી થવા હાંકલ કરી હતી.
સાત ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોળી - ધુળેટીની શુભકામના પાઠવી. ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી. રાષ્ટ્ર, સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા. તમામને સાથે લઈ આપણે વિકાસની પરંપરાને આગળ વધાવવાની છે તેવી નેમ વ્યક્ત કરી હતી.
#gujaratniparchhai
Comments
Post a Comment