ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ

 દેવ ઘોઘારાવ મહારાજની એક દંત કથા


બંગાળના હેરવા ખાતે જેવર રાજા રાજય કરતા હતાં. તેની સ્વરૂપવાન પત્નીનું નામ બાછલ. રૂપ–રૂપનાં અંબાર સમી બાછલનાં ખોળાને ખુંદનાર કોઇ સંતાન ન હતું. વંશ વેલો ચાલુ રહે તેવા સંતાન સુખથી આ દંપતિ વંચિત હતું. રાજા દંપતિ સતત ચિંતિત હતા અને તેઓએ સંતાન પ્રાપ્તી માટે અનેક દાન ધર્મો કર્યા હતા. 



યજ્ઞો કર્યા, સાધુ સંતોને બોલાવી તેઓના આર્શિવાદ મેળવ્યા પણ આશાનું કોઇ કિરણ નજેર પડતું ન હતું. બીજી તરફ બાછલની સગી બહેન જે તેની હુબહુ શકલ ધરાવતી હતી તેને ખોળે પણ સંતાન ન હતું. બંને બહેનો સંતાન સુખની પ્રાપ્તિ માટે અનેક સાધુ સંતોની પાસે જઇ આવી હતી. સંતાન સુખની પ્રાપ્તી માટે રાજા જેવરસિંહે ૯૯ યજ્ઞ કર્યા હતા. જેને લઈ ઈન્દ્ર લોકની ગાદી પણ હચમચી જવા પામી હતી અને ત્યારે ઈન્દ્રદેવે રાજા જેવરસિંહ યજ્ઞ કેમ કરે છે તે જાણવા માટે નારદમુની અને શનિદેવને ધરતી લોક ઉપર મોકલ્યા હતા જે બાદ તેઓ રાજા જેવરસિંહ પાસે આવે છે અને યજ્ઞ કરવાનું કારણ પુછે છે ત્યારે રાજા તેઓને યજ્ઞ સંતાન પ્રાપ્તીની ઈચ્છા માટે કરતા હોય તે વાત જણાવે છે ત્યારે નારદ મુની તેઓને કહે છે કે, આ મૃત્યુલોકમાં એક એવા સિધ્ધ યોગી છે કે જે તમને વરદાન આપી પુત્ર પ્રાપ્તી કરાવી શકે છે જેથી આ યજ્ઞ કરવા કરતાં તમે ગુરુ ગોરખનાથની જયોત સળગાવી તેઓની પુજા કરો જેથી ગુરુદેવ એક દિવસ પ્રસન્ન થઈ તમને વરદાન આપશે જે બાદ તેઓ ત્યાંથી જતાં રહયા અને એ વાત રાજા જેવરે તેઓની પત્ની રાણી બાછલને કરી હતી અને કહયું હતું કે હું તો રાજા છુ મારી પાસે અનેક કામો હોવાથી હું આ કામ કરી શકું નહી કોઈ દિવસ રાજકામને લઈ જયોત સળગાવવાનું ભુલી પણ જવાઈ જેથી આ કામકાજ તમે જ સારી રીતે કરી શકો છો એવું કહી રાજાએ રાણી બાછલને જયોતનું કામ સોંપી દીધું હતું જેથી રાણી બાછલે દિવસ–રાત્ર જયોત સળગાવી ૧ર વર્ષ જેવો સમયગાળો વીગી ગયો ત્યાર બાદ એક દિવસ ગુરુ ગોરખનાથની સમાધી તુટી જાય છે અને એવો આભાશ થાય છે કે કોઈ દુખીયારી મને દિવસ રાત્ર યાદ કરે છે જેને લઈ ગુરુ ગોરખનાથ પોતાના ૧૪ હજાર ચેલાઓ સાથે બાગડ દેશ આવે છે. 

આ સમય દરમ્યાન પ્રખર યોગી ગોરખનાથ તેઓની ખ્યાતિ ખુબ જ હતી. તેઓ જેવર રાજાનાં રાજમાં ધૂણી ધખાવી બેઠા હોવાની બાતમી બાછલને મળી સંતાન વિના તરસતી બાછલ ગમે તે સેવાઓ કરતા તત્પર હતી. વ્યાકુલ બનેલી બાછલે યોગી ગોરખનાથનું શરણું લીધું તેઓની ખુબ શ્રધ્ધાથી સેવાભકિત કરી. તેઓને પ્રસન્ન કર્યા, યોગી ગોરખનાથ રાણી બાછલની વ્યથા પામી ગયા હતા.

 તેઓએ બાછલને સવારે ભોજન લઈ આવવા કહયું અને તે ભોજન બાદ તેઓને વરદાન આપશે.જેના દ્વારા તેને સંતાનપ્રાપ્તિ થશે બાછલની બહેન કાછળ પણ સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નો કરતી હતી. તેણીએ યોગી ગોરખનાથે બહેન બાછલને કહેલ વાત યુકતી પ્રયુકતીથી સાંભળી લીધી હતી. યુકિત–પ્રયુકિતથી કાછળ બહેન બાછલને પણ પોતાનું વ્રત હોવાનું કહી બીજાના વસ્ત્ર પહેરવાની વાત કરી તેના વસ્ત્રો મેળલી લીધા અને તે વસ્ત્રો પરિધાન કરી પૂર્ણિમાના દિવેસ પ્રાતઃસમયે તે યોગી ગોરખનાથ પાસે પહોંચી જઇ યોગી બાછલથી હુબહુ શકલ ધરાવતી કાછળને યોગીજીએ પોતાની જોલીમાંથી બે જઉના દાણા આપી કહયું કે જા બેટા તને બે સંંતાન પ્રાપ્તિ થશે. 

ત્યારબાદ તેઓ બાગડ દેશ આવવાનું કાર્ય પૂર્ણ થઈ ગયેલ સમજી ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાદ રાણી બાછલ મોડી પડી યોગી મળ્યા નહી. આથી તે ખુબજ દુઃખી થઇ. છતાં હિંમત નહી હારતા રાણી બાછલ યોગીજીની શોધમાં નીકળી પડી અને તેણીએ યોગીજીને શોધી નાંખ્યા. યોગીજી રાણી બાછલને જોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા.

તેઓએ રાણીને જઉનાં દાણા આપ્યાની વાત કહેતા બહેન કાછળે કરેલ પ્રપંચનો ભાંડો ફૂટી ગયો. સંત ગોરખનાથે રાણી બાછલને આપવા માટે પોતાની જોલીમાં કંઈ નહીં નીકળતા તેઓએ પોતાના મંત્રો દ્ધારા પાતાળ લોક જઈ વાસુકી નાગરાજા પાસે સમુદ્ર મંથન સમયે મળેલ એક દિવ્ય ગુગળ કે જેને નામ પદમનાગ માંગ્યો અને સંંસારમાં તેનું નામ અને દેશ વિદેશમાં તેની કિર્તીની વાત કરી હતી પરંતુ રાજા વાસુકી અને તેની પત્નીને સૌથી પ્રિય પદમનાગ હોય જેથી આપવાની મનાઈ કરતા તેઓએ યુકિત દ્ધારા પદમનાગને એક ગુગળના રૂપમાં પ્રસ્થાપિત કરી ત્યાંથી લઈ ગયા જેની જાણ રાજા વાસુકીને થતાં તેઓ તેને શોધતા શોધતા ગુરુ ગોરખનાથ પાછળ આવ્યા ત્યારે રસ્તામાં એક લંબાઈમાં ખુબજ મોટું એક વૃક્ષ હતું તેને કહયું કે દિવ્ય દેહ ધારી વૃક્ષ તું આ ગુગળ તારામાં સમાવી લે.... આવું કહેતા જ તે વૃક્ષે તે ગુગળને પોતાનામાં સમાવી લીધી અને ગુરુદેવ પાસે વાસુકી આવતા તેઓને ગુરુદેવ પાસે કંઈ ન મળતા તેઓ નિરાશ થઈ ત્યાંથી ચાલ્યા ગયા તે બાદ ગુગળ પાછી માંગતા તે વૃક્ષે પણ પોતાની મનોકામના પૂર્ણ કરવાનું વરદાન ગુરુદેવ પાસે માંગ્યું ત્યારે ગુરુદેેવે તેને વરદાન આપતા કહયું કે જયારે જયારે ભોદો નોમ આવશે તેના એક માસ પહેલા લોકો તમારી છડી બનાવી ઘોઘારાવનું નામ લઈ તમારી પુજા અર્ચના કરશે અને તમારો ઉત્સવ મનાવશે. 

જે બાદ ગુરુદેવ દિવ્ય ગુગળ લઈ રાણી બાછલ પાસે આવે છે અને કહે છે કે, ગુગળ જયારે તું ખાશે તેના ૯ મહિના બાદ તારે ત્યાં એક દિવ્ય સંતાનનો જન્મ થશે અને દેશ અને વિદેશમાં તેની કિર્તી અને યશગાન થશે અને તેના દ્ધારા જ તારી બહેનના પુત્ર કરતા વધુ બળવાન થશે અને તેનાજ હાથે કાછળના પુત્રનો વિનાશ થશે. 

રાણી બાછલે ગુરુએ આપેલી જડીબુટ્ટીની પ્રસાદી પોતે લીધે અને થોડી પ્રસાદી પોતાની લીલી ઘોડીને પણ આપી બીજીતરફ બહેન કાછળે પણ પ્રસાદી લીધી. જેના પરિણામે બંને બહેનો તથા લીલી ઘોડી પણ ગર્ભવતી બન્યા સમય જતાં બાછલે એક દૈવી તેજસ્વી પ્રભિભાસંપન્ન પુત્રને જન્મ આપ્યો તો બીજી તરફ પાણીદાર લીલી ઘોડીએ પણ પાણીદાર ઘોડાને જન્મ આપ્યો. બીજી તરફ બહેન કાછળે પણ પુત્રોને જન્મ આપ્યો. બાછલનાં પુત્રનું નામ જાહેર ઘોઘારાવ રખાયું ત્યારે કાછળનાં પુત્રોનું નામ અરજન અને સરજન રખાયા આમ ત્રણેય પુત્રો યુવાન થયા.

લગ્નનો સમય પાકતાં ઘોઘારાવનાં લગ્ન ચીંગ્લધીયાનાં રાજા સંજાની સ્વરૂપવાન દિકરી સીરીયલ સાથે ધામધુમથી થયા. સ્વરૂપવાન સીરીયલને જોતાં માસીના દિકરો સુરજન તથા અરજન ઇર્ષાની આગમાં જલવા લાગ્યા અને વેર લેવાનું નક્કી કર્યુ અને તેઓ એ દિલ્હીમાં રહેતા પૃથ્વીસિંહ રાજાની મદદથી ઘોઘારાજાનાં રાજયને અને તેની પત્ની સીરીયલને પામવા માટે યુદ્ધ છેડયું આ યુદ્ધમાં માસી કાછલનાં બંને દીકરાઓ અરજન અને સુરજનના કરૂણ મોત થયા. યોગીજીએ કરેલી ભવિષ્યવાણી સાચી પુરવાર થઇ. ઘોઘારાવની આણ ચારેય તરફ પ્રસરવા માડી બીજી તરફ પોતાની બહેનનાં બે સંતાનો અરજન અને સુરજનના મોતથી દુઃખી થયેલી માતા બાછલે પોતાના પુત્ર ઘોઘારાજાને મહેલ છોડીજવા એ તેનું મોઢુ નહીં બતાવવા જણાવ્યું. 

માતાના હુકમનું પાલન કરનાર ઘોઘારાવે રાણી સીરીયલને પણ ત્યાં છોડી મહેલનો ત્યાગ કર્યો. એક તરફ ઘોઘારાવ પત્ની સીરીયલની વ્યથા સમજતા હતા. અને બીજી તરફ ઘોઘારાવ વિના સીરીયલ દુઃખી હતી. યોગી સંતજીએ આ બાબતની વાત ઘોઘારાવને કહી અને સીરીયલને મળવા જવા જણાવ્યું પણ તે મળવા જાય તો તેમની માતા દુઃખી થાય માતાનાં હુકમનો અનાદર થાય માતાને મોઢું નહીં બતાવવા કહેલ અને યોગીજીનાં આદેશનું પાલન કરવા અને સીરીયલને મળવાનાં ઉદ્દેશ્યથી ઘોઘારાવ રાત્રી દરમ્યાન પોતાનાં લીલાઘોડા પર સવાર થઇ નીકળ્યા અને સીરીયલને મળીને સવાર થતાં પરત જતા. આ રીતનો ક્રમ તેઓ કરતા હતા. આ વાતની જાણ ઘોઘારાવની માતાને ખબર પડી માતા પુત્ર ઘોઘારાવને જોવા મળવા આતુર હતી અને પુત્રનાં વિરહમાં આંસુ વહાવતી હતી. તે પોતાના પુત્ર ઘોઘારાવને જોવા મળવા રાત્રીનાં સમયે તેના આવવાની રાહ જોતી હતી અને તે દરમ્યાન પુત્ર પાણીદાર લીલા ઘોડા પર સવાર થઇ આવી પહોંચ્યો. વ્યાકુળ માતા બનેલી બાછલ પોતાને વશ કરી શકી નહી અને બહાર દોડી આવી માતાએ લીલા ઘોડાની લગામ પકડી લીધી માતાએ પુત્રને ખુબ કાલાવાલા કર્યા પરંતુ પુત્ર ઘોઘારાવ માતાના આદેશનો અનાદર કરવા તૈયાર ન હતો. તેણે માતાજીને કહયું જુઓ મહેલ સળગે છે. આ વાકય સાંભળતા માતા બાછલ પાછળ મોં કરી જોતા ઘોઘારાવ ત્યાંથી ઘોડા પર સવાર થઈ ચાલવા લાગે છે...

આ સમયે અજનબી ઘટના ઘટી ધરતી ફાટી અને જાહેર ઘોઘારાવ ઘોડા સહિત જમીનમાં ઉતરવા લાગ્યા. માતા હૈયાફાટ રુદન કરતા હતા. ચિત્કાર કરતા રહયાં આક્રંદ કરતા રહયા અને ઘોઘારાવને પામવા તેને ઉગારવા તે તરફ દોડયા આ દોડાદોડમાં માતા બાછલ હાથમાં લીલા ઘોડાની પૂંછ હાથમાં આવી ગઇ. આ જોઇ ઘોઘારાવે માતાને પોતાનાથી અળગા કરવા માટે તલવારનાં ઝાટકે ઘોડાની પુછ પર ઘા કરી પૂછ કાપી નાખી. અડધી પુછ માતાના હાથમાં રહી ગઇ અને ઘોઘારાવ ઘોડા સહિત ધરતીનાં પેટાળમાં સમાઇ ગયા. માતા બાછલ કલ્પાંન કરતા રહયા. માતાની વ્યથા અને કલ્પાંનથી દ્રવિત થયેલ ઘોઘારાવ શ્રાવણ વદ સાતમથી દશમ દરમ્યાન પૃથ્વી પર અચૂક આવે છે. એ દ્રઢ માન્યતાથી ઘોઘારાવ છડીનો ઉત્સવ ઉજવાતો રહયો છે.

ઘોઘારાવ મહારાજ જયારે ધરતીમાં સમાઈ ગયા ત્યારે તેઓની માતા અને રાની સીરીયલ ખુબજ દુઃખી થઈ અને કલપાન કરતા રહયા ત્યારે આકાશવાણી થઈ અને ઘોઘાજીના ઈસ્તદેવ ગુરુ ગોરખનાથે રાની સીરીયલ અને ઘોઘારાવની માતાને વચન આપેલ કે ઘોઘારાવ માત્ર ધરતી લોક પરથી સમાધી લીધી છે તેઓ એક જીવતા જાગતા દેવ છે એટલે આ રીતે દુઃખી ન થાવ દર વર્ષે ઘોઘાજી પોતાના ભકતોને દર્શન આપી તેઓનાં દરેક દુઃખ દુર કરી તેઓની દરેક મનોકામના પૂર્ણ કરશે. તેવા આર્શીવચન આપી અદ્રશ્ય થઈ ગયા અને ત્યારથી દર વર્ષે શ્રાવણ વદ સાતમથી ઘોઘારાવજીની જયોત પ્રગટાવવામાં આવે છે અને ત્યારથી લઈ શ્રાવણ વદ દશમ સુધી તેઓનો છડી મહોત્સવ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે, ઘોઘાજી સ્વયંમ જયોત રૂપી લોકોને દર્શન આપે છે અને તેઓની જયોત પાસે માંગવામાં આવેલ તમામ મનોકામના પૂર્ણ થાય છે.

જયારે ઘોઘારાવનું જે દેવ સ્થાન છે ત્યાં સાતમનાં દિવસે જયોત પ્રગટાવવામાં આવે છે અને બીજી જયોત નોમનાં દિવસે પ્રગટાવવામાં આવે છે જે જયોતને લઈ તેઓનાં દેવ સ્થાનેથી લઈ લોક માન્યતા પ્રમાણે તેઓની માતાનાં ઘરે લઈ જવામાં આવે છે. જયાં રાની સીરીયલ અને માતા બાછલ તેઓની રાહ જોતી હોય છે.

 દેવ ઘોઘાજી પોતાની માતાને જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પ્રેમ તેઓની માસી કે જે જગતનાં લોકો કાછળ તરીકે ઓળખે છે જેથી ઘોઘાજી પોતાની માતા અને પોતાની માસીને મળવા દર વર્ષે અચુક આવતાં હોય છે અને એવું પણ કહેવાય છે કે રાની સીરીયલ સાથે લગ્નોત્સવ જેવો માહોલ તૈયાર કરવામાં આવે છે. કારણ કે સમાધી બાદ રાની સીરીયલને સ્વપ્નમાં આવી ઘોઘાજીએ એવું કહયું હતું કે હું દર વર્ષે એક રાત્ર માટે તમને મળવા અચુક આવીશ. જેને લઈ ઘોઘા નોમનો મહોત્સવ ઉજવવામાં આવે છે. એટલે ઘોઘારાવ મહારાજનું જયાં પણ દેવ સ્થાન છે ત્યાં તહેવાર ઉજવવામાં આવે છે અને આજ રીતે એક સ્થાનેથી બીજા સ્થાને ઘોઘાજીને લઈ જવામાં આવે છે અને જયાં રાતવાસો કરવામાં આવે છે. 

જયાં ઘોઘારાવ મહારાજ પોતાની માતા અને રાની સીરીયલ સાથે મુલાકાત કરી લોકોને તેઓનાં દર્શન આપી આજે પણ ઘોઘાજી હાજર છે તેની અનુભુતી કરાવે છે અને લોકોના દુઃખ દૂર કરી લોકોને સુખ શાંતિ આપેે છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો