ભરુચમાં દોઢ લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઊજવણી

 *“હું” માંથી “તું”* માં જવાનો અવસર....

ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીના ૯૧માં પ્રાગટ્ય દિન નિમિત્તે અને પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજીના ૭૨માં પ્રાગટ્ય દિન નિમિત્તે  


ભરુચમાં દોઢ લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઊજવણી

દેશ-વિદેશથી પધારેલ ભક્તો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં સ્પિરિચ્યુઅલ મ્યુઝીકલ કન્સર્ટ, સંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ નૃત્ય જેવા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું અદ્ભુત આયોજન



મહોત્સવ નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત ૫૦૦૦ યુનિટ બ્લડ એકત્ર કરાયું

ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ મંદિરના પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનસ્વામીજીના આશિષ અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાંક મહિનાઓથી ચાલતી તડામાર તૈયારીઓના ફળસ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનો વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો. 

હરિપ્રસાદસ્વામીજીના ૯૧ માં પ્રાગટ્ય દિન તથા પ્રબોધસ્વામીજીના ૭૨માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં પાંચમી જાન્યુઆરી, રવિવારે ૩૫૦ વીઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ૧૨ જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉતર પ્રદેશ, કર્ણાટકમાંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ ૨૨૦૦ બસ, ૪૦૦૦ જેટલી કાર તથા ૬૦૦૦ જેટલી બાઈકમાં ખૂબ જ શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો. 

સમગ્ર આયોજન અંદાજીત ૩૫૦ વીઘા જગ્યામાં કરવામાં આવ્યું હતું. જેમાં, ૨૦૦ વીઘાનો સભામંડપ, ૫૬ વીઘામાં પાર્કિંગ, ૫૦ વીઘામાં ભોજન મંડપ, ૧૨ વીઘામાં રસોડું વગેરે આયોજન કરવામાં આવ્યા હતા. મહોત્સવમાં પધારેલ તમામ દોઢ લાખ ભક્તોની સમગ્ર રસોઈ સંતો અને ભક્તો તથા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને ઉજાગર કરતી થીમ પર કોલકાતાના ૩૦ જેટલા કારીગરો દ્વારા ભવ્ય સ્ટેજ નિર્માણ કરવામાં આવ્યું હતું.


મહોત્સવની શરુઆતમાં ખ્યાતનામ તાલવાદક ગીરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગીયા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝીકલ કન્સર્ટ રજુ કરવામાં આવ્યો હતો જે દરમ્યાન નયનરમ્ય, ભક્તિમય રથમાં પ્રબોધસ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ હતી. સુરતના યુવાનોએ ભક્તિનૃત્ય અને સોની સ્કુલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયન્સનું જોશભેર નૃત્ય રજુ કર્યું હતું. એ સિવાય કિંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ “જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીનદોસ્ત ન થાય” એ થીમ પર પોતાના જીવનપ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યું હતું. સંતવર્ય શ્રી સર્વમંગલસ્વામીએ પ્રબોધસ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે, પ્રબોધસ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે. પ્રબોધસ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ “સમર્થની સાધુતા”નું અનાવરણ કરવામાં આવ્યું હતું.


મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂ. મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા. વિધ વિધક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું. જેમાં ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, દુષ્યંતભાઈ પટેલ, પ્રમુખશ્રી મારુતિસિંહ, નીરલભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ, વિજયભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખશ્રીઓમાં અમેરિકાના લલિતભાઈ પટેલ, કેનેડાના જનકભાઈ પટેલ, યુકેના જતીનભાઈ શાહ, જર્મનીના મેન્ફ્રેન્ડ ગુથેઇન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


કેન્દ્રીય મંત્રીશ્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા જણાવ્યું હતું કે, દુનિયાની નજર જયારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યામિક રીતે વધુ સુદ્રઢ બને તે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. જેટલી જ્ઞાનની જરૂરિયાત છે એટલી જ સારા મુલ્યોની જરૂરિયાત છે. આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરે છે.


પ્રબોધસ્વામીજીની જીવનભાવના કે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ સમસ્યાનું મૂળ કારણ આપણો “હું” એટલે કે આપણો અહંકાર છે. જો “હું” નહિ પણ “તું” ની ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે. આ ભાવનાને ચરિતાર્થ કરતા સુંદર પ્રસંગોની થીમ પર મુંબઈના યુવકો દ્વારા સંવાદ સ્વરૂપે સુંદર ડ્રામા રજુ કરવામાં આવ્યો હતો. સંતવર્ય શ્રી ભક્તિપ્રિયસ્વામીએ “હું” માંથી “તું”ની થીમ સમજાવતા કહ્યું કે, માનવજાતિના પ્રગટીકારણથી આજ સુધીમાં હજારો યુદ્ધો થયા છે જેમાં કરોડો જેટલા મનુષ્યો મૃત્યુ પામ્યા છે. જો તુંની ભાવના હોય તો યુદ્ધો વિરામને પામી જાય.


જૈનાચાર્ય પ. પૂ. નયપદ્યમસાગર મહારાજશ્રી એ વિડીયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, આ મહોત્સવના આયોજનનો મને અનંત આનંદ છે. આજે જયારે પુરા વિશ્વને ભારતના યુવાનોની જરૂરત છે ત્યારે આવા યુવાનો ભગવાન અને ગુરુના આશીર્વાદ લઈને વિશ્વમાં ફેલાઈ જાય તો વિશ્વના યુદ્ધના તાંડવ સમાપ્ત થઈ જાય અને પ્રેમ અને શાંતિનું સ્થાપન થઈ જાય.


ગુરુહરિ પ્રબોધસ્વામીજીએ પરાવાણીમાં “હું” માંથી “તું”ની યાત્રા કરવા માટે સ્વામીજીએ આપણને સહુને પસંદ કર્યા છે એ વાત કરતા “જેના નિર્માની ભગવાન, તેના જનને શીદને જોઈએ માન” ની વાત સમજાવતા ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા ગુણાતીત પુરુષોએ ખૂબ સમર્થ હોવા છતાં દાસત્વનું દર્શન કરાવ્યું છે તેના પ્રસંગોનું વર્ણન કર્યું હતું. તે ઉપરાંત ભગવાનની માળાના મણકામાં આવવા માટે શુદ્ધ સ્વધર્મ યુક્ત જીવનની અનિવાર્યતા સમજાવતા હરિપ્રસાદસ્વામીજીના પૂર્વાશ્રમના સ્વધર્મના પ્રસંગોની વાત કરી હતી.


મહોત્સવના ઉપક્રમે સત્સંગના ૧૨ જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કુલ ૫૦૦૦ જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.


મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિઆરતી તથા ઉપસ્થિત સંતો-ભક્તો દ્વારા દોઢ લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, હરિપ્રસાદસ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. અને જાગ્રતતાની થીમ પર મશાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું.

#gujaratniparchhai 



Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ