બાળકના મૃતદેહને કબરમાંથી કાઢી સુરત પીએમ માટે ખસેડાયો, સાપ કરડ્યો હોય સારવારને બદલે પરિવારજનોએ ભૂવા પાસે વિધિ કરાવી હતી

અંધશ્રદ્ધામાં માસૂમે જીવ ગુમાવવાનો મામલો:બાળકના મૃતદેહને કબરમાંથી કાઢી સુરત પીએમ માટે ખસેડાયો, સાપ કરડ્યો હોય સારવારને બદલે પરિવારજનોએ ભૂવા પાસે વિધિ કરાવી હતી

આમોદના ભીમપુરા ગામમાં 11 વર્ષીય બાળકને સાપ દંશ દેતા તેના પરિવારજનો અંધશ્રદ્ધામાં તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે ભુવા પાસે તાંત્રિક વિધિ કરવા લઈ જતા સમય વીતી જતાં આખરે માસુમે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં આમોદ પોલીસે તેના પિતા અને કાકા વિરુધ્ધ બેદરકારીનો ગુનો નોંધી બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી સુરત FSL માં પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત સરકારે હાલમાં જ વિધાનસભામાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 ને મંજૂરી આપી છે. તેમ છતાંય લોકો હજીય અંધશ્રદ્ધાને છોડવાનું નામ નથી લઈ રહ્યા. આ અંધશ્રદ્ધામાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે ત્યારે આવો જ એક કિસ્સો ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામમાં સામે આવ્યો છે. જેમાં એક 11 વર્ષીય બાળકને સાપ કરડી જતાં તેણે પિતાને જાણ કરતાં પિતાએ તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગામના ભાથીજી મંદિરે વિધિ કરતા તેના ભાઈ પાસે લઈ જઈ ઝેર ઉતારવાની વિધિ કરાવી હતી. આ સમય દરમિયાન બાળકના શરીરમાં ઝેર પ્રસરી જતા તે મોતને ભેટ્યો હતો.

આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, ભીમપુરા ગામમાં રહેતા કાંતિભાઈ રાઠોડનો 11 વર્ષીય પુત્ર અરુણને રાત્રીના તેના વાડામાં બાથરૂમમાં ગયો હતો. આ સમયે તેને સાપે દંશ માર્યો હતો. જેથી બાળકે આવીને તેના પિતા કાંતિભાઈને સાપ કરડયો હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ પિતાએ તેને પ્રથમ હોસ્પિટલમાં લઈ જવાને બદલે તેને ગામના ભાથીજી મહારાજના મંદિરે લાવી તેમના ભાઈ સંજય ચૂંનીલાલ રાઠોડ જે મંદિરના ભુવા તરીકે ઓળખાય છે તેની પાસે લાવી ઝેર ઉતારવાની વિધિ કરાવી હતી. જેમાં સમય વધી જતાં અરૂણના શરીરમાં ઝેર પ્રસરી જતા તે તડપીને મોતને ભેટયો હતો.

ત્યારબાદ તેને મોટર સાયકલ પર બેસાડીને આમોદ આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું ત્યાં હાજર તબીબે માસૂમ અરૂણને મૃત જાહેર કર્યો હતો પરતું તેના પરિવારજનો તેનું પીએમ કરાવ્યા વગર બળજબરી પૂર્વક તેને ઘરે લઈને જતાં રહ્યાં હતાં. આ અંગે આરોગ્ય કેન્દ્રના ડોકટર આયશાએ પોલીસ મથકમાં વર્ધિ આપી માહિતી આપી હતી. જે બાદ પોલીસે કાંતિ રાઠોડના ઘરે જઈને તપાસ કરતા તેના પિતાએ સાપ કરડયો હોય તેનું મોત થયું હોવાનું જણાવી અમારે પીએમ નથી કરવાનું જણાવ્યું હતું.

અરુણની ઝેર ઉતારવાની વિધિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જતા પોલીસ પણ દોડતી થઈ હતી. સમગ્ર મામલો ધ્યાને આવતા જ પોલીસે એકશનમાં આવી પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસ્વાર અને મામલતદાર સહીતના અધિકારીઓની પરવાનગી અને હાજરીમાં ગતરોજ સાંજના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા અરૂણના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેના મૃતદેહને પોલીસ બંદોબસ્ત સાથે સુરત ખાતે આવેલા ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવ્યો છે જ્યાં પેનલ ડોક્ટર દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે. જયારે બીજી તરફ આમોદ પોલીસે તેના પિતા કાંતિ રાઠોડ અને તેના કાકા સંજય રાઠોડ( ભુવા) ની ધરપકડ કરીને તેમના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#gujaratniparchhai 

રિપોર્ટર જંબુસર 

દેવેન્દ્ર મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો