જેલમાં બંધ ચૈતર વસાવા લોકસભામાં AAP ઉમેદવાર:નેત્રંગમાં કેજરીવાલની મોટી જાહેરાત, સભામાં કહ્યું- આ આદિવાસીઓના સન્માનની લડાઈ
જેલમાં બંધ ચૈતર વસાવા લોકસભામાં AAP ઉમેદવાર:નેત્રંગમાં કેજરીવાલની મોટી જાહેરાત, સભામાં કહ્યું- આ આદિવાસીઓના સન્માનની લડાઈ
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઇને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતની ભાજપ સરકારને આદિવાસી વિરોધી ગણાવી હતી. તો આગામી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજને ટકોર કરતાં જણાવ્યું કે, ચૂંટણી પહેલા ચૈતર વસાવા જેલની બહાર ન આવે તો તેને જીતાડવાની જવાબદારી તમારી છે. આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે.
નેત્રંગમાં જંગી જનમેદનીને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હું દિલ્હીથી આવ્યો છું અને પંજાબના મુખ્યમંત્રી પણ મારી સાથે આવ્યા છે. આવતીકાલે અમે સરકારની પરવાનગી લઈને ચૈતર વસાવાને જેલમાં મળવા માટે જઈશું અને પ્રજાનું સમર્થન હોય તો અમે પ્રજાનો સંદેશો ચૈતર વસાવાને પહોંચાડીશું કે ચૈતર વસાવાની સાથે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ ઊભો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 30 વર્ષથી ભાજપનું રાજ છે ભાજપે આદિવાસીઓ માચે કંઇ જ કર્યું નથી. ચૈતર વસાવાની પત્નીની ધરપકડ એટલે આદિવાસી સમાજની વહુનું અપમાન એવું કહેવાય અને આ અપમાનનો બદલો આદિવાસી સમાજ જરૂરથી લેશે. ચૈતર વસાવાને મંત્રીપદની ઓફર હતી પણ ચૈતરે સમાજને છોડ્યો નથી. જો ચૈતર વસાવાને મુક્ત કરો નહીં કરવામાં આવે તો ભાજપની ઉંધી ગણતરી શરૂ થઇ જશે.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું કે, આ લોકોએ ચૈતર વસાવાની ધરપકડ કરી છે પરંતુ હું આજે જાહેરમાં કહું છું કે ચૈતર વસાવા મારો નાનો ભાઈ છે. દુઃખની વધુ વાત તો એ છે કે આ લોકોએ ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનની પણ ધરપકડ કરી છે. શકુંતલાબેન સમગ્ર આદિવાસી સમાજની વહુ છે, એટલે સમાજનું અપમાન થયું છે. ભાજપના નબળા સત્તાવાળાઓ ડાકુ કરતા પણ ખતરનાક લોકો છે. જેઓએ છેલ્લા 30 વર્ષમાં આદિવાસી પટ્ટી ઉપર કશો જ વિકાસ કર્યો નથી. ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો એટલા માટે આ લોકોએ તેઓની સામે ષડયંત્ર ઊભું કર્યું. ચૈતર વસાવા આદિવાસી નેતા છે. ભાજપને બીક છે કે ચૈતતર વસાવા આગળ વધશે તો આદિવાસી સમાજની વાત કરશે એટલે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આજે જો તમે ચૂપ રહેશો તો ભાજપના હોસલા વધુ બુલંદ થઈ જશે અને તમને દબાવી દેવામાં આવશે. આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર મંચ પરથી વચન આપ્યું છે કે, તે ચૈતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ઉચ્ચ વકીલને રોકવામાં આવ્યા છે જેઓ ચૈતર વસાવા તથા શકુંતલા વસાવાનો કેસ લડી રહ્યા છે અને આવનાર 20મી જાન્યુઆરી સુધીમાં તેઓને જેલમાંથી બહાર કાઢવાના પુરા પ્રયત્ન કરવામાં આવશે. અંતમાં 'જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેગે'ના નારા સાથે અરવિંદ કેજરીવાલે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વિરુદ્ધમાં ખોટી રીતે ફરિયાદો કરીને બદલાની ભાવનાથી જે રીતે એમને જેલમાં પુરવામાં આવ્યા છે, એના વિરોધમાં અને ચૈતરભાઇના સમર્થનમાં એક નહીં પણ બે મુખ્યમંત્રીઓ નત્રંગમાં આવ્યા છે. મનસુખ વસાવાની વાત કરતાં ગોપાલ ઇટાલિયાઓ જણાવ્યું હતું કે, મનસુખભાઇને એમની પાર્ટી પણ સિરિયસ લેતી નથી તો આપણે એને સિરિયસ લેવા જોઇએ નહીં.
નેત્રંગમાં કેજરીવાલના આગમનને પગલે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં એક એસપી, પાંચ ડીવાયએસપી, 20 પી.આઈ તેમજ 33 પી.એસ.આઈ, 568 પોલીસ જવાનો અને 214 ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 841 પોલીસ જવાનો ખડેપગે રહ્યા હતા.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment